પુત્રવધૂના કહેવાથી પુત્રએ તરછોડી 78 વર્ષની માતાને

પુત્રવધૂના કહેવાથી પુત્રએ તરછોડી 78 વર્ષની માતાને

ઘડપણમાં પુત્ર તેના ઘરડા માતા-પિતાનો સહારો હોય છે. પોતાની જિંદગીના અંતિમ દિવસો તેના સંતાનો સાથે પસાર થાય તેવું દરેક માતા-પિતા ઇચ્છતા હોય છે પરતું સુરતમાં રહેતી એક 78 વર્ષની માતાને તેના પુત્ર અને પુત્રવધૂએ ઘર છોડવા માટે મજબૂર કર્યા છે.

78 વર્ષે વૃદ્ધ માતાને સગા સંબંધીઓને ત્યાં આશરો લેવાની ફરજ પડી અને છેવટે પોતાના મકાનમાં પરત જવા અને સન્માન સાથે જીવન જીવવા માટે 78 વર્ષની વૃદ્ધ માતાએ આ બાબતે સુરત પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી.

માતાએ પુત્ર અને પુત્રવધૂ પર આક્ષેપ કર્યો છે કે, તે ઘણી વાર વૃદ્ધ માતાને જમવાનું અને દવાના પૈસા પણ નથી આપતા. જેના કારણે વૃદ્ધ માતાને જીવન જીવવું દુષ્કર બની ગયું છે.

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી મંજૂલાબેન દેસાઈની ઉમર 78 વર્ષની છે. તેઓની આંખ દિવસ રાત અશ્રુઓથી ભીની રહે છે કારણકે તેમને પોતાનું ઘર હોવા છતાં પણ પારકાના ઘરે રહેવા જવાનો વારો આવ્યો છે. તેમણે તેમના પુત્ર પ્રણવ અને પુત્રવધૂ નિમિષા પર ગંભીર આક્ષેપ કર્યો છે.

પુત્રવધૂ નિમિષા તેમને ખાવાનું નથી આપતી અને જો મંજૂલાબેન ખાવાનું બનાવે તો તે ખાવાનું નિમિષા ફેંકી દે છે. મંજૂલાબેનને તેમના પતિનું પેન્સન આવતું હોવાના કારણે તેઓ પોતાના ખર્ચા મેનેજ કરે છે.

આ પેન્સન પર પણ પુત્ર અને પુત્રવધૂની નજર હોવાનો આક્ષેપ મંજૂલાબેને કર્યો છે. આ તમામ બાબતોનો ઉલ્લેખ તેમણે સુરત પોલીસ કમિશનર કચેરીમાં આપેલી અરજીમાં કરેલો છે.

આ વૃદ્ધ માતાની બીજી કમનસીબી એ છે કે, તેમના મોટા પુત્રનું અવસાન થઈ ગયું છે જેના કારણે નાનો પુત્ર પ્રણવ તેમનો એક માત્ર સહારો છે. નાના પુત્રએ માતાને તરછોડી હોવાના કારણે મંજૂલાબેન પોતાના નસીબને દોષ આપે છે.

સુરતમાં આ ઘટનાને ભારે ચર્ચા જગાવી છે. હવે એ જોવાનું રહે છે કે, પોલીસ કમિશનરને થયેલી અરજી બાદ વૃદ્ધા પોતાના ઘરે પરત જવા મળે છે કે કેમ? આ ઘટનામાં સુરત પોલીસ સમાજમાં દાખલો બેસે તેવું પગલું ભરે છે કે નહીં? હાલ તો મંજૂલાબેનની આખોમાં અપાર દુઃખ છે કારણકે તેમણે જે પુત્રને મોટો કરીને પગભર બનાવ્યો તે પુત્રએ જ તેમને નિરાધાર કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published.