દિલ્હીના CMને સુરક્ષા પૂરી ન પાડી શકતા હોય તો, PM રાજીનામું આપી દેઃ કેજરીવાલ

દિલ્હીના CMને સુરક્ષા પૂરી ન પાડી શકતા હોય તો, PM રાજીનામું આપી દેઃ કેજરીવાલ

દિલ્હીનાં સચિવાલયમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાની ભૂકીથી થયેલા હુમલા બાદ સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા તેમને રાજીનામું આપી દેવું જોઈએ તેવી વાત કરી હતી.

પાર્ટીના હેડક્વાર્ટર ખાતે સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, જો તેઓ મને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહેતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. સાથે તેમણે એવું પણ કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીએ પોતાના 12 વર્ષના શાસનમાં ગુજરાતમાં જેટલું કામ કર્યું હતું તેનાથી વધારે આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં ત્રણ વર્ષમાં કરી બતાવ્યું છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, “દિલ્હીના લોકોને તેમના મુખ્યમંત્રી પર ગૌરવ છે. હું દેશના લોકોને પૂછવા માંગું છું કે તેઓ આપણા વડાપ્રધાન માટે પણ આવી જ લાગણી અનુભવે છે કે નહીં.”

ગુજરાતના વિકાસ મોડલ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યુ કે, “હું દાવો કરીને કહી શકું છું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારે 12 વર્ષમાં જે કામ કર્યું છે તેનાથી વધારે સારું કામ દિલ્હીની આમ આદમી પાર્ટીએ કર્યું છે.”

ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કેજરીવાલે તા. 20મી નવેમ્બરના રોજ સચિવાલય ખાતે તેમના પર થયેલા હુમલા અંગે બીજેપીને દોષિત ગણાવી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, “દિલ્હીના મુખ્યમંત્રીને સુરક્ષા પૂરી ન પાડી શકતા હોય તો નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.”

દિલ્હી પોલીસ પણ દિલ્હી સરકારના હેઠળ કામ કરે તેવા સુધારા અંગે વાતચીત કરતા કેજરીવાલે કહ્યુ હતુ કે, “95 ટકા પોલીસકર્મીઓ સારા છે, પરંતુ તેમણે બીજેપીના આદેશ બાદ ખોટાં કે ખરાબ કામ કરવા પડે છે.

જો દિલ્હી પોલીસ પર દિલ્હીની ચૂંટાયેલી સરકારના આદેશ હેઠળ કામ કરશે તો પોલીસ દિલ્હીનાં લોકોની ભલાઈ માટે કામ કરતી થઈ જશે.”

તાજેતરમાં તેમના પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યુ કે, “છેલ્લા ત્રણ વર્ષમાં તેમના પર ચાર હુમલા થયા છે. જો તેઓ દિલ્હીના મુખ્યમંત્રી ન હોત તો તેમના પર આ હુમલા થયા ન હોત. આ મારા પર નહીં પરંતુ દિલ્હીના લોકો પર હુમલા છે. દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા હોવાથી મોદીજી બદલી લઈ રહ્યા છે.”

Leave a Reply

Your email address will not be published.