અમદાવાદઃ અક્ષરધામ હુમલાના વધુ એક આરોપીની ધરપકડ

અમદાવાદઃ અક્ષરધામ હુમલાના વધુ એક આરોપીની ધરપકડ

વધુ એક આરોપીની ધરપકડ

અમદાવાદ પોલીસે અક્ષરધામ હુમલા કેસના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચે એરપોર્ટ પરથી આરોપી મોહમ્મદ ફારુક શેખની ધરપકડ કરી છે. મોહમ્મદ ફારુક શેખ સાઉદી અરેબિયાથી અમદાવાદ આવ્યો હતો ત્યારે એરપોર્ટ પર જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

એરપોર્ટ પરથી ઝડપાયો આરોપી

નોંધનીય છે કે આરોપી મોહમ્મદ ફારુક શેખ છેલ્લા 16 વર્ષથી દુબઈમાં રહેતો હતો. રિપોર્ટ્સ અનુસાર તે અમદાવાદમાં રહેતા સંબંધીઓને મળવાં આવ્યો હતો. આ દરમિયાન ક્રાઈમબ્રાંચે એરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરી હતી.

2002ના રોજ થયો હતો હુમલો

નોંધનીય છે કે 24 સપ્ટેમ્બર 2002ના રોજ અક્ષરધામ પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ હેન્ડગ્રેનેડ અને ઓટોમેટિક હથિયારો લઈને મંદિરમાં પ્રવેશ્યાં હતાં અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

આ હુમલામાં આશરે 30 લોકોના મૃત્યું થયાં હતાં અને 80 કરતાં પણ વધારે લોકોને ઈજા પહોંચી હતી. આ પછી નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સે મોરચો સંભાળતાં બે આતંકવાદીઓને ઠાર કર્યાં હતાં.

આ ગુનેગારોને થઈ છે સજા

નોંધનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે ચાંદ ખાન સાજીદ ખાન, મુફ્તી અબ્દુલ કય્યુમ મન્સુરી અને આદમ સુલેમાન અજમેરીને મોતની સજા સંભળાવી હતી. જ્યારે મોહમ્મદ સલીમ શેખ અને મુફ્તી અબ્દુલ મિયા કાદરીને દસ વર્ષની સજા તેમજ અલ્તાફ હુસૈન મલેકને પાંચ વર્ષની સજા ફટકારી હતી.

260 કરોડનો કૌભાંડી વિનય શાહ આખરે નેપાળથી પકડાયો

અમદાવાદ: એક વર્ષમાં રુપિયા ડબલ કરી આપવાની સ્કીમ બહાર પાડી લોકો પાસેથી 260 કરોડ રુપિયા જેવી માતબર રકમ ઉઘરાવીને ગાયબ થઈ ગયેલો અમદાવાદનો કૌભાંડી વિનય શાહ આખરે ઝડપાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિનય શાહ કાઠમંડુના એક કેસિનોમાં ગયો હતો, અને ત્યાં એક કર્મચારી સાથે મારામારી થતાં નેપાળ પોલીસે તેની ધરપકડ કરી હતી.

વિનયની સાથે એક મહિલા પણ ઝડપાઈ છે, જે દિલ્હીના એક સ્પા પાર્લરમાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. વિનય પાસેથી પોલીસને લાખો ડોલર પણ મળી આવ્યા છે.

મહત્વનું છે કે, વિનય શાહ નેપાળમાં જ છૂપાયો હોવાની પોલીસને પહેલાથી શંકા હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિનય શાહ પોતાના ફોનથી કેટલાક લોકોના સંપર્કમાં હતો, અને તેના આધારે જ પોલીસે તેનું લોકેશન શોધી નાખ્યું હતું. વિનય કાઠમાંડુની એક હોટેલમાં રોકાયો હતો.

વિનય શાહના ગાયબ થયા બાદ તેની પત્ની ભાર્ગવી પણ ઘરને તાળું મારીને રવાના થઈ ગઈ હતી.

કૌભાંડી વિનય શાહે પોલીસ અધિકારી તેમજ મીડિયાને પણ લાંચ આપ્યાનો પોતાનો વીડિયો વાયરલ કરીને આપઘાત કરી લેવાની પણ ધમકી આપી હતી. વિનય પોતાની કંપનીનો IPO લાવવાનો હોવાની વાતો કરીને પણ લોકોને ભ્રમીત કરતો હતો.

લોકો પાસેથી વધુમાં વધુ પૈસા પડાવવા માટે વિનય શાહ પોતાના એજન્ટોને ટાર્ગેટ આપતો હતો, અને તે ટાર્ગેટ પૂરા કરનારાને તે વિદેશ ફરવા પણ લઈ જતો. જેથી એજન્ટો વધુ કામ કરતા અને મોટી સંખ્યામાં લોકો પાસેથી વિનય શાહની સ્કીમોમાં રોકાણ કરાવતા.

જોકે, લાંબા સમયથી પૈસા પરત ન મળતા લોકોએ વિનય શાહની ઓફિસના ધક્કા ખાવાનું શરુ કર્યું હતું, અને તે દરમિયાન જ આખો કાંડ બહાર આવ્યો હતો.

વિનય શાહ સામે અત્યાર સુધી અનેક પોલીસ ફરિયાદો પણ થઈ ચૂકી છે, અને તેમાં વધારો થાય તેવી પણ શક્યતા છે. તેણે પોલીસ અધિકારી તેમજ મીડિયાને લાંચ આપવાના જે આરોપો મૂક્યા હતા તે બદલ પણ તેની સામે માનહાનિના કેસ કરાયા છે.

જોકે, આ આરોપમાં કેટલો દમ હતો તેનો જવાબ વિનય શાહ જ આપી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published.