વહુઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી, ભીખ માંગી લખપતી બની ગઇ મહિલા

વહુઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી, ભીખ માંગી લખપતી બની ગઇ મહિલા

આંધ્રપ્રદેશમાં એક રોચક વાત સામે આવી છે, પ્રદેશના નાલગૌડાના મિરયલગુડા વિસ્તારમાં એક ભિખારી મહિલા પાસેથી લાખો રુપિયાની રકમ મળી આવી છે, સમગ્ર ઘટના પોલીસના ધ્યાને આવતાં પોલીસકર્મીઓ પણ ચોંગી ગયા હતા. વૃદ્ધ મહિલાએ પોલીસને જણાવ્યું કે પરિવારજનોએ તેણીને હાંકી કાઢી હતી, ત્યારબાદ તેણીએ ભીખ માગવાનું શરૂ કર્યું હતું. પોલીસે ભિખારીઓની તપાસ કરી રહી હતી ત્યારે વૃદ્ધ મહિલા પાસેથી લાખો રુપિયાની રકમ મળી આવી.

વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, એમાંથી બચત કરીને પૈસા ભેગા કરતી હતી. પોલીસે તમામ રકમ મહિલાને તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

જાણકારી પ્રમાણે પેમ્મા નામની આ વૃદ્ધ મહિલાના બે પુત્ર છે, પતિનું મૃત્યુ થયા બાદ મહિલા પુત્રના ભરોસે હતી, મહિલાના નામે જમીન હતી, જે વેચ્યા બાદ લાખો રૂપિયાની આવક થઇ હતી, જેમાંથી મહિલાએ એક લાખ રૂપિયા પોતાની પાસે રાખી લીધા અને બાકીની રકમ પુત્રને આપી દીધા. જો કે મહિલાના બે પુત્રમાંથી એકનું મૃત્યું થઇ ગયું અને બીજો પુત્ર ભાગી ગયો, ત્યારબાદ પુત્રોની પત્નીએ પેમ્મા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. જેનાથી કંટાળી તેણીએ ઘર છોડી દીધું.

પેમ્મા છેલ્લા સાત વર્ષથી ભીખ માગી ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન પોલીસે ભિખારીઓના ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં પેમ્માની પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને પેમ્મા પાસેથી રૂપિયા ભરેલો થેલો મળી આવ્યો. જેમાં અંદાજે અઢી લાખ રૂપિયા હતા. એટલું જ નહીં થોડા ઘરેણા પણ મળી આવ્યા હતા.

રાજકોટની ‘ચાઇવાલી’ થઇ ફેમશ, લોકોને દાઢે વળગી ‘ચા’

ચાની કીટલી ચલાવતી યુવતી ભાગ્યે જ જોવા મળે છે. રાજકોટમાં એક યુવતી પોતાના પરિવારની મનાઇ હોવા છતાં ચાની કીટલી કરી માટીના કોડિયામાં ચા આપે છે. અડધા લીટર દૂધથી ચાલુ કરેલી ચાની કીટલીમાં આજે પાંચ લીટર દૂધની ચા વહેંચાઇ છે.

રૂખસાના હુસેન નામની આ યુવતીએ દશેરાના શુભ દિવસથી જ હેમુ ગઢવી હોલ પાસે પોતાની નાનકડી કેબીન શરૂ કરી છે. અને માત્ર થોડા દિવસોમાં ‘ચાયવાલી’ રૂખસાનાની ‘ચા’ નો સ્વાદ માણવા લોકો દૂર-દૂરથી અહીં આવવા લાગ્યા છે. એટલું જ નહીં આ અદભૂત ‘ચા’નો સ્વાદ માણી ગ્રાહકો જ સોશિયલ મિડિયામાં ચાયવાલી’ની જાહેરાત પણ કરતા થયા છે. માટીના કોડિયા અને પિત્તળના થોડા વાસણો તેમજ પોતાના સિક્રેટ મસાલાની મદદથી રૂખસાના ‘ચા’ માં એવો તો સ્વાદ લાવે છે કે ધીમે-ધીમે આ તેની ‘ચા’ લોકોની દાઢે વળગવા લાગી છે.

રૂખસાનાએ કહ્યું હતું કે, ધો-12 પાસ કર્યા બાદ સબ રજીસ્ટાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેનું કામ શરૂ કર્યું હતું. જો કે ખૂબ નાની ઉંમરથી જ ઘરમાં ‘ચા’ બનાવતી હતી અને મારી ‘ચા’ પીનારા તમામ લોકો મારા ભરપૂર વખાણ કરતા હતા. એટલે મનમાં એક સારો અને મોટો ‘ચા’નો રેસ્ટોરન્ટ શરૂ કરવાની ઈચ્છા હતી. પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે આ શક્ય ન હોવાથી રસ્તા પર કેબીન ખોલવાનું નક્કી કર્યું હતું.

મારા આ વિચાર અંગે અમરેલીમાં રહેતા પિતા સહિતના પરિવારજનોને વાત કરતા જ ઘરમાં જાણે કે ભૂકંપ આવ્યો હતો. અને છોકરી ઉઠીને લારી પર થોડું બેસાય? તેમાં પણ ‘ચા’ની લારી પર, કેવા-કેવા લોકો આવે તે ખબર પડે છે? જેવા અનેક સવાલો ઉઠ્યા હતા. પરંતુ મારે કોઈ પણ સંજોગોમાં મારૂ સ્વપ્ન સાકાર કરવું હતું. જેને લઈને પરિવારના ભારે વિરોધ છતાં મે આ લારીની શરૂઆત કરી દીધી અને થોડા જ દિવસોમાં અણધારી સફળતા મેળવી બતાવતા હવે પરિવારજનો પણ મારા આ નિર્ણયની પ્રશંસા કરવા લાગ્યા છે.

શરૂઆતમાં દરરોજની માત્ર અડધા લિટર દૂધની ‘ચા’ વેંચાતી હતી. પરંતુ ગ્રાહકોના અણધાર્યા સપોર્ટથી થોડા જ વખતમાં દરરોજ પાંચ લિટર દૂધની ‘ચા’નું વેચાણ થવા લાગ્યું હોવાનું રૂખસાનાએ સ્વીકાર્યું હતું. તેમજ આગામી સમયમાં ટી-પોસ્ટની જેમ ‘ચાયવાલી’ નામની બ્રાન્ડ ઉભી કરવી પોતાનું સ્વપનું હોવાનું પણ તેણીએ કહ્યું હતું. અને તમામ મહિલાઓને ખોટી શરમ છોડી પોતાના સ્વપનાઓ પૂર્ણ કરવા માટે આગળ વધવાની હાંકલ પણ રૂખસાનાએ કરી હતી.

રૂખસાનાના ગ્રાહકો પણ તેની આ હિંમતને હૃદયપૂર્વક બિરદાવી રહ્યા છે.

ચાયવાલી રૂખસાનાની ‘ચા’ બનાવવાની પદ્ધતિ વિશે વાત કરીએ તો તે પોતાના સિક્રેટ મસાલા સાથેની ‘ચા’ બનાવી રાખે છે. જ્યારે કોઈ ગ્રાહક આવે ત્યારે કુલડીમાં (માટીનું કોડિયું) ગરમ કરે છે. બાદમાં આ ગરમાગરમ કોડિયું એક પિત્તળના વાસણમાં મુકવામાં આવે છે અને તેમાં ‘ચા’ નાખતા જ ઉભરાઈને પિત્તળના વાસણમાં પડવા લાગે છે.

આ પ્રક્રિયાને કારણે ‘ચા’ માં માટીનો સ્વાદ અદભુત રીતે ભળી જાય છે. જેને લઈને ‘ચા’નો સ્વાદ અનેરો બની જાય છે. આ પ્રક્રિયાના કારણે તેની ‘ચા’ પીવા લારીએ જવું જરૂરી હોવાથી રૂખસાના કોઈ પણ ગ્રાહકને પાર્સલ કરી આપવાનો નમ્રતાપૂર્વક ઈન્કાર કરે છે.

Leave a Reply

Your email address will not be published.